/connect-gujarat/media/media_files/10uOWOx7klPVqvzSeWMv.jpeg)
ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 15 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે (શુક્રવાર) સવારે 6 થી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 4.17 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં તેમને આખી રાત હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના પરિજનો અને હોસ્પિટલના સ્ટાફને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દર્દીઓના વોર્ડ સુધી પાણી પહોંચી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓના વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને અનિવાર્ય ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.