બાળકોમાં શિક્ષણરૂપી જ્ઞાન થકી જીવનનું ઘડતર કરાવતા શિક્ષકો જ જ્યારે ગુલેબાજ અને ઊંઠાં ભણાવતા નીકળે ત્યારે દોષ કોને દેવો?આવું જ કંઈક ગુજરાત રાજ્યના શિક્ષણ જગત સાથે થયું છે,સરકારને ઉંધા ચશ્મા બતાવતા 134 શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવ્યા છે.
ગુજરાતની અનેક શાળાઓમાં વિદેશમાં રહીને પણ સરકારી પગાર ખાતા શિક્ષકોનું ભોપાળું ખુલ્લું થયા બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારની આંખો ઉઘડી છે. શાળા શરૂ હોય અને ફરજ પરથી ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં 134 જેટલા શિક્ષકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 3 શિક્ષકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં પણ આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણી સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર રહીને વિદેશમાં રહીને સરકારનો લાખોનો પગાર ચાઉં કરી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ત્યારે સરકારની અને શિક્ષણ વિભાગની આંખ હવે ઉઘડી છે. આ પ્રકારની ફરિયાદો ઉઠતા શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી સરકારને સોંપવામાં આવી હતી. અહેવાલ મળ્યા બાદ સરકારે 134 શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે,જેના કારણે શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.