જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે. જીહા... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વિમિંગ પુલમાં 100થી વધુ લોકોએ પાણીમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલિત થાય છે, અને યોગ શરીર માટે પણ જરૂરી છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે, પહેલાના સમયમાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા, અને પાણીમાં ચાલતા હતા. આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે, ગાર્ડનમાં કરતા હોય છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સાથે 100થી વધુ લોકોએ સાબર સ્ટેડીયમ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં પાણી યોગ કર્યા હતા.
સ્વિમિંગ પુલમાં લોકોને 5 દિવસની તાલીમ અપાઈ હતી, અને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણીમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીન પર થતા મોટાભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન હોય છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટીએ યોગ શરીર માટે સારા હોય છે. નિયમિત યોગ કરવાથી હાર્ટબીટ કંટ્રોલમાં રહે છે. ઉપરાંત ફેફસામાં નહિવત રોગ તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી રહે છે. દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, ત્યારે જેમ જમીન પર યોગ થાય છે, તેમ 100 વધુ લોકોએ પાણીમાં પણ યોગ કરીને સાબિત કરી બતાવ્યું છે.