/connect-gujarat/media/post_banners/a9d0d28d4586aa6d41b7b4dfec6ce541fb0e29ffa34e4d784580905a217bb883.jpg)
ટાઢ-તાપ કે, વરસાદ જોયા વગર 365 દિવસ દેશની રક્ષા માટે પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સિયાચીન અવેરનેશ ડ્રાઈવ અને મહિલા કોર્પોરેટર ડીમ્પલ રાવલ દ્વારા "એક રાખી, ફૌજી કે નામ" અંતર્ગત રાખડી મોકલવાનું કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે આ કાર્યને જબરી સફળતા મળી છે.
જામનગર મહા નગરપાલિકાના વોર્ડ-2ના મહિલા કોર્પોરેટર અને આરોગ્ય અને ગાર્ડન શાખાના ચેરપર્સન ડીમ્પલ રાવલ દ્વારા જામનગરની બહેનોને આ અભિયાનમાં જોડાઈ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જેને જામનગરની બહેનો અને મહિલા સંસ્થાઓ, નારી શક્તિ મંડળો અને જ્ઞાતિ મંડળોએ હર્ષભેર હોંશે હોંશે સ્વીકારી લીધું હતું. એક સપ્તાહમાં જ જામનગરથી એક હજાર રાખડી અને શુભેચ્છા સંદેશાઓ એકત્ર થઈ ચૂક્યા હતા. જામનગરથી આ રાખડી અને સંદેશાઓ મોકલવાના સાદાઈ ભરેલા કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, શહેર મહામંત્રી પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટ્ટુ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે "એક રાખી, ફૌજી કે નામ" રાખડી અભિયાનના આયોજક ડીમ્પલ રાવલે જણાવ્યુ હતું કે, રાખડી મોકલનાર બહેનોમાં 5 વર્ષની બાળાથી લઈ 65 વર્ષ સુધીના વયોવૃધ્ધ સામેલ છે. તેમજ દિવ્યાંગ અને ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પણ આ અભિયાનમાં સામેલ થઈ એક હજારથી વધુ રાખડી અને સંદેશાઓ સરહદ પરના જવાનોને મોકલ્યા છે. જે દેશ ભક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાખડી મોકલનાર તમામ નારી સાંસ્થાઓ, ક્લબ, ગ્રૂપ, મંડળો, અને વ્યક્તિગત બહેનોનો કોર્પોરેટર ડીમ્પલ રાવલે સિયાચેન અવેરનેશ વતી આભાર વ્યક્ત કર્યો હતો.