માનસિક તણાવ સામે લડવા 'ટેલી-માનસ' સેવા આશીર્વાદરૂપ
ચિંતા, પારિવારિક તણાવ અનુભવતા લોકો માટે કેન્દ્ર કાર્યરત
લોકોને પરામર્શ અને તબીબી મદદ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય
વર્ષ 2022’થી અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોને લાભ
આ સેવા માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે મજબૂત આધાર બની ઉભરી
અમદાવાદ શહેરમાં ડિપ્રેશન, ચિંતા અને પારિવારિક તણાવ અનુભવતા લોકોને તાત્કાલિક પરામર્શ અને તબીબી મદદ પહોંચાડવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે વર્ષ 2022’થી 'ટેલી-માનસ' સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં માનસિક તણાવ સામે લડવા 'ટેલી-માનસ' સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ 2022’થી અત્યાર સુધીમાં આશરે 36,650થી વધુ લોકો આ નિઃશુલ્ક હેલ્પલાઇનનો સહારો લઈ ચૂક્યા છે. અમદાવાદ સેન્ટર ખાતે કાર્યરત 25 કાઉન્સેલર્સ ડિપ્રેશન અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી પીડાતા લોકોને નવું જીવન આપી રહ્યા છે. 24 કલાક ઉપલબ્ધ આ સેવામાં કોલરની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને ગંભીર કિસ્સાઓમાં ત્વરિત પોલીસ સહાય તેમજ મનોચિકિત્સકોનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી 'ટેલી-માનસ' એટલે કે 'Tele Mental Health Assistance and Networking Access Service' સતત કાર્યરત છે.
વર્ષ 2022’થી અમલી બનેલી આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિપ્રેશન, ચિંતા અને પારિવારિક તણાવ અનુભવતા લોકોને તાત્કાલિક પરામર્શ અને તબીબી મદદ પહોંચાડવાનો છે. કોઈપણ વ્યક્તિ 14416 નંબર પર કોલ કરીને સીધી સહાય મેળવી શકે છે. અહીં નિષ્ણાત કાઉન્સેલર્સ કોલરની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. અઘટિત ઘટનાઓ અટકાવવા માટે જરૂર જણાયે કાઉન્સેલર્સ પોલીસ અથવા પરિવારનો સંપર્ક પણ કરે છે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી હવે મોબાઈલ એપ પર સેલ્ફ-એસેસમેન્ટ અને ઓનલાઇન કાઉન્સેલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમ, 'ટેલી-માનસ' ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે એક મજબૂત આધાર બનીને ઉભરી છે. મનની મૂંઝવણ હવે મનમાં રાખવાને બદલે માત્ર એક ફોન કોલ દ્વારા ઉકેલી શકાય છે, જે તણાવમુક્ત ગુજરાતની દિશામાં એક મહત્વનું કદમ છે.