/connect-gujarat/media/post_banners/58c19710a987f497a0422b453a44202de3fdf3aa9208d93824afee464124ea34.webp)
ગુજરાત રાજ્યમા 'વિશ્વાસથી વિકાસયાત્રા'ની ઉજવણી થઇ રહી છે, ત્યારે ખેડા વહિવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સયુંક્ત ઉપક્રમે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ સ્વસહાય જૂથોની કામગીરી બિરદાવી. ઉપરાંત મુખ્ય દંડકએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ઈશ્વરથી તેમના નિરોગી સ્વાસ્થ્યની પ્રાર્થના કરી. વિધાનસભાના દંડકએ જણાવ્યું કે, ગુજરાત વિકાસ કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, અને ગુજરાતની જનતાની સુખાકારી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર હંમેશા જનતાની સાથે હોય છે. વધુમાં તેમને ઉમેર્યું કે, ગુજરાતના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના આ બજેટ એ વિકાસલક્ષી બજેટ છે. આ બજેટ ગત વર્ષના બજેટ કરતા ૧૭૦૦૦ કરોડ વધુનું જન સુખાકારી બજેટ છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના નાગરીકોને ગુણવત્તા સભર આરોગ્ય આપવા માટે રાજકોટ ખાતે એઇમ્સનું નિર્માણ થઇ રહ્યું છે. સાથોસાથ દંડકએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૯૭% ભાગમાં નલ સે જલ પહોંચ્યું છે. રાજ્યની ૩૬ લાખ મહિલાઓને ગેસ કનેક્શન મળ્યું જે ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં બન્યું છે. ગર્ભવતી માતાની ૧૦૦૦ દિવસ સુધી બાળકની સંભાળ માટે "મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના" સરકારે અમલમાં મૂકી છે. "ભિક્ષા નહિ શિક્ષા"ના મંત્ર સાથે મોબાઈલ સ્કૂલ ગુજરાતમાં કાર્યરત છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયાતના પ્રમુખ નયના પટેલ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સીના નિયામક પી.આર.રાણા અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સખીમંડળની બહેનો હાજર રહ્યા હતા.