ખેડા : જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો...

ખેડા : જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો...
New Update

ખેડા જિલ્લાના સશક્ત અને ખડતલ યુવાનો લશ્કરી ભરતીમાં જોડાઈ રોજગારી મેળવે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી (મોડલ કરિયર સેન્ટર), નડિયાદ દ્વારા આયોજિત પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની શરૂઆત જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને કરવામાં આવી છે.

એસ.આર.પી ગ્રાઉન્ડ, ગ્રુપ-૭, નડિયાદ ખાતે તા.૦૬/૦૭/૨૦૨૩થી તા.૦૪/૦૮/૨૦૨૩ દરમ્યાન યોજાનાર આ તાલીમમાં આ તાલીમમાં ખેડા જિલ્લાના કુલ ૩૦ ઉમેદવારો તાલીમ લેશે. પૂર્વ સંરક્ષણદળના ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ અંતર્ગત ઉમેદવારોને રહેવા, જમવા અને ભણવાની નિ:શુલ્ક સવલતો તથા હાજરીને અનુરૂપ સ્ટાઈપેન્ડની સવલત પણ પુરી પાડવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગમાં ઉમેદવારોને લેખિત કસોટી તેમજ શારીરિક કસોટીની તૈયારી પણ કરાવવામાં આવશે.

ખેડા જિલ્લામાં એસ.આર.પી. ગૃપ -૭ મેદાન, નડિયાદ ખાતે તા. ૨૦/૦૬/૨૦૨૩ના રોજ યોજાયેલ પ્રિ સ્ક્રુટીની કેમ્પમાં ૨૫૦થી વધુ ઉમેદવારોએ આ તાલીમ વર્ગમાં જોડાવવા માટે હાજર રહ્યા હતા. જે પૈકી કુલ ૩૪ ઉમેદવારો વિવિધ શારીરિક તથા તબીબી માપદંડ સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી આખરી પસંદગી પામ્યા હતા. આ ૩૪ ઉમેદવારોમાંથી ૨૪ ઉમેદવારોએ ઈન્ડિયન આર્મી દ્વારા એપ્રિલ-૨૦૨૩માં લેવાયેલ લેખિત પરીક્ષા પાસ કરેલ છે. અને હાલમાં કુલ ૩૦ તાલીમાર્થીઓ આ ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગમાં તાલીમ માટે જોડાયેલ છે.

આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આ તાલીમ ખુબ જ સરાહનીય છે. તેઓએ ઉમેદવારોને પ્રોત્સાહન આપતા કહ્યું કે, તાલીમ વિના કેવી રીતે મહેનત કરવી તે હંમેશા મુંઝવણ ઉભી કરે છે. આ પ્રકારની તાલીમમાં સંપૂર્ણ જાણકારી સાથેના માર્ગદર્શન દ્વારા ઘણું બધું શીખવા મળશે તેમજ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે માઇક્રોપ્લાનિંગ સાથે યોગ્ય પુસ્તકોનું વાંચન કરી લક્ષ્યને હાંસલ કરી શકવાની ટિપ્સ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત પોલીસ અધિક્ષકએ આર્મી ભરતીની લેખિત પરીક્ષા પાસ કરનાર ૨૪ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શારીરિક ચકાસણીમાં પાસ થયેલ જિલ્લાના આ 30 ઉમેદવારોને સૌપ્રથમ ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન તાલીમના સ્થળે ફરજીયાત રહેવાનું રહેશે. રહેવાની તેમજ જમવાની સવલત નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે, અને ઓછામાં ઓછી ૮૦% હાજરી ધરાવતા તાર્લીમાર્થીને હાજરી મુજબ પ્રતિદિન રૂ.૧૦૦/- લેખે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે તેમ જિલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લ, ઇન્ચાર્જ સેનાપતિ વી.આર.યાદવ, ૨૮ બટાલીયન એન.સી.સી. ગુજરાતના સુબેદાર મેજર ઋષિ રાજ અને હવલદાર સુનીલ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat Police #Kheda police #SRP Ground
Here are a few more articles:
Read the Next Article