Connect Gujarat
ગુજરાત

સાચા અર્થમાં “માઁ” : કેન્સરને હરાવી સુરેન્દ્રનગરની દિવ્યાંગ મહિલા 123 અનાથ ભુલકાઓને આપી રહ્યા છે નિ:શુલ્ક શિક્ષણ…

વડગામની મહિલાએ મજબૂત મનોબળ વડે હાટકાના કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવી ખરા અર્થમાં એમની માતા બની છે.

સાચા અર્થમાં “માઁ” : કેન્સરને હરાવી સુરેન્દ્રનગરની દિવ્યાંગ મહિલા 123 અનાથ ભુલકાઓને આપી રહ્યા છે નિ:શુલ્ક શિક્ષણ…
X

આજે 14મી મેના રોજ "મધર્સ ડે"ની ઉજવણી થઇ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અંતરિયાળ એવા વડગામની મહિલાએ મજબૂત મનોબળ વડે હાટકાના કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવી ખરા અર્થમાં એમની માતા બની છે. આ 123 અનાથ બાળકોને જાતે બનાવેલો નાસ્તો, સવાર-સાંજ પ્રાર્થના, શ્લોક, યોગ અને મેડીટેશન સહિતની ક્રિયાઓ કરાવે છે, બાળકો એમને માં કહીને જ બોલાવે છે.

પાટડી તાલુકાના વડગામના કંચનબેન મકવાણાનો જન્મ અમદાવાદ સ્થિત ગોમતીપુરના ઝૂપડપટ્ટી જેવા નાનકડા વિસ્તાર ખાડાવાળી ચાલીમા 10 x 10 જર્જરિત પતરાવાળી ઓરડીમાં થયો હતો. કંચનબેનના માતા-પિતા ખૂબ જ ગરીબ હતા. એ જ્યારે ધોરણ 10માં હતા, ત્યારે 1998માં તેમનાં ડાબા પગે ઢીંચણથી થાપા તરફ એક નાનકડી ગાંઠ થઈ હતી. તે ગાંઠે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ગરીબાઈના કારણે લાચાર માતા-પિતા કંચનબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા. 5થી 7 દિવસ તો વિવિધ રિપોર્ટ કરવામાં ગયા. અંતે રિપોર્ટ આવ્યો કે 'આ કંચનબેનને બોર્ન (હાડકાનું) કેન્સર છે.' સાંભળતાની સાથે જ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવો આઘાત લાગ્યો હતો.

જે બાદ ઓપરેશન થયુંને કંચનબેનનો ડાબો પગ અપંગ થઈ ગયો, અને 39 દિવસ સતત સિવીલ હોસ્પિટલ, કેન્સર વિભાગમા દાખલ રહેવું પડ્યું હતું. કંચનબેન ડાબા પગે 90 ટકાથી પણ વધુ અપંગ થઈ ગયા પણ ભણવાનું ન છોડ્યું. તેમણે પગનું ઓપરેશન કરાવ્યા બાદ ધોરણ-12 હોમ સાયન્સના વિષયોમા તેમને 75 ટકા આવ્યા. પછી પાટડી તાલુકાના વડગામના વસરામ મકવાણા સાથે પરિવારજનોના વિરોધ વચ્ચે લગ્ન થયા બાદ કંચનબેને 2007થી એટલે કે, તેમની 23 વર્ષની નાની ઉંમરથી જ સેવાનો ભેખ ધારણ કરી લીધો.

આમ, ક્યારેય ગામડું જોયેલું નહીં અને ગામડાને જ તથા ગામડાના અનાથ બાળકોને જ પોતાનું જીવન સમર્પિત કરનાર એક મેગા સિટીની યુવતી કંચનબેન મકવાણા આજે 123 અનાથ બાળકોને નિ:શુલ્ક ભણાવવાનું ભગીરથ કાર્ય કરી માનવતાની મહેક પ્રસરાવી રહી છે. કંચમબેન મકવાણા આ અનાથ, જરૂરિયાતમંદ અને તકવંચિત બાળકો માટે સવારે 4 વાગ્યે ઉઠીને જાતે નાસ્તો બનાવે છે, અને પ્રાર્થના સાથે નાસ્તો કરાવે અને પછી એમને જાતે ભણાવીને સ્કુલ મોકલે છે.

બપોરે અને રાત્રે શ્લોક બોલાવી જમવાનું આપે છે. અને સાંજે તમામ બાળકોને ફરજિયાત 2 કલાક રમતો રમાડે છે. સાંજની સંસ્કારરૂપી પ્રાર્થનામાં એક બાળક ભજન, બીજુ બાળક ધૂન એમ અલગ અલગ બાળકો સુવિચાર, જનરલ નોલેજ, આજના સમાચાર બોલે છે. દર અઠવાડિયે એક દિવસ મોટીવેશન સ્પીચ જેમાં જ્ઞાનવત્સવ સ્વામી, શ્રી શ્રી રવિશંકર અને મોરારી બાપુની સ્પીચ સંભળાવવામાં આવે છે. અને રોજ રાત્રે 9.30થી 10 અડધો કલાક તમામ બાળકોને યોગ અને મેડીટેશન પણ કરાવવામાં આવે છે.

જેમાં"'સાથે જમીએ, સાથે રમીએ અને સાથે કરીએ સારા કામ" સૂત્ર સાથે કામ કરતા કંચનબેન મકવાણાને તમામ બાળકો હેતથી "માઁ" કહીને જ બોલાવે છે. વશરામ મકવાણાના ખાસ પરિચિત એવા તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કેન્સર વિભાગ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો.પ્રકાશભાઈ શાહને ભલામણ પત્ર આપીને કંચનબેનના પગની ખાસ કેસમા ફરી ઊંડી તપાસ કરાવવાની સૂચના આપી અને, ત્યારે ડોક્ટરે અમને બંનેને સલાહ આપી કે, 'કંચનબેનને બોર્ન કેન્સર છે,તમે લગ્નગ્રંથિથી ન જોડશો, તમે સંતાન પણ ન કરશો.' તો પણ આ બન્ને પ્રેમી યુગલે સમાજના ધારા-ધોરણ મુજબ જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

Next Story