/connect-gujarat/media/post_banners/d5e6708f736a773f6875eb57bd8da50c6b371929869bb3076e9664de2b76fb7c.jpg)
કૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી અસરગ્રસ્તોની મુલાકાત
પાણી ભરાયેલા ખેતરોનું પણ કૃષિમંત્રીએ નિરીક્ષણ કર્યું
નુકશાની સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે
નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકા વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદના કારણે કરજણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેથી નાંદોદ તાલુકામાં કરજણ નદીના કિનારે આવેલા ગામોની ખેતીને નુકશાન થવા પામ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કરજણ નદી કાંઠા વિસ્તારમાં આવતા કુલ 12 ગામમાં ખેતીને નુકશાન તેમજ જિલ્લાના 5 તાલુકાના 547 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદના કારણે ખેતીમાં થયેલ વ્યાપક નુકશાનનો તાગ મેળવવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.
કૃષિમંત્રીએ ખેડૂતો સાથે મુલાકાત યોજી પાણી ભરાયેલા ખેતરોનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી નુકશાનીનો અહેવાલ મેળવ્યો હતો. આ દરમ્યાન કૃષિમંત્રીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, નુકશાનીના સર્વે મુજબ જે તે ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી તેમના ખાતામાં જ સહાય જમા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિશાન સહાય, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ સહાય આપવાની કૃષિમંત્રીએ વાત કરી હતી. હાલ નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગની 22 ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા કુલ 64 ગામોમાં બાગાયત પાકના 5614 હેક્ટર વિસ્તારનો ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે તમામ માહિતી મેળવી સરકારી સહાયથી કોઈપણ ખેડૂત વંચિત રહી ન જાય તે માટે કૃષિમંત્રીએ આધિકારીઓને સૂચના આપી હતી.