/connect-gujarat/media/post_banners/f395d8877fa226caf695778b21bf6fea4a05938d0783c960afcbac9a7821a342.jpg)
નર્મદા જિલ્લામાં ગોરા નવરચિત નર્મદા ઘાટ ખાતે હવે વારાણસી ગંગા આરતીની જેમ નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા સહેલાણીઓને લેસર-શૉ જોયા બાદ મહાઆરતીનો પણ લ્હાવો મળી શકે.
વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાનું તા. 31 ઓક્ટોબર 2018માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં અહી 20થી વધુ નવા પ્રોજેક્ટો બન્યા છે, અને હજુ અનેક નવા પ્રોજેક્ટો બની રહ્યા છે, ત્યારે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની જેમ ગોરા નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે.
નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે 7 પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આરતી કરવામાં આવશે. જેમાં મહાઆરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવ્યું છે. હાલ બન્ને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર SOU પ્રોજેક્શન મેપિંગ શો (લેસર-શો) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરાયો છે. SOU પ્રોજેક્શન મેપિંગ શો (લેસર-શો) જે હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે, તેના બદલે હવે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે. નર્મદા મહાઆરતી જેનો હાલનો સમય સાંજે 7.00 કલાકનો રાખવામાં આવ્યો છે, તેના બદલે સાંજે 7.30 કલાક રાખવામાં આવ્યો છે. જેથી લેસર-શૉ જોયા બાદ પ્રવાસીઓને મહાઆરતીનો પણ લ્હાવો મળી શકે.