Connect Gujarat
ગુજરાત

નર્મદા : પોઈચા નજીક નાવડીએ સંતુલન ગુમાવતાં પ્રવાસીઓ ડૂબ્યા, અંતે મોકડ્રીલ હોવાનું બહાર આવ્યું..

NDRF તેમજ રાજપીપલા નગરપાલિકા સહિત આપદા મિત્ર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે NDRF તેમજ રાજપીપલા નગરપાલિકા સહિત આપદા મિત્ર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં નર્મદા નદીમાં પાણી છોડાતા જે પ્રકારે અવ્યવસ્થા સર્જાય છે તે અંગે સ્થાનિક અને પ્રવાસીને માહિતગાર કરાયા હતા.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેર ભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યક્તિની ડૂબવાની ઘટનાની જાણ થતાં રાજપીપલા જિલ્લા ડિઝાસ્ટરને કરાઇ હતી, ત્યારે વડોદરાની NDRF તેમજ રાજપીપલા નગરપાલિકા ફાયરબ્રિગેડ અને આપદા મિત્ર સંસ્થાની ટીમ રાહત બચાવ માટે દોડી આવી હતી.

NDRFના કમાન્ડન્ટ હેઠળ રાહત બચાવ કામગીરી દરમ્યાન તમામ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે દુર્ઘટનામાં પાણીમાં ડૂબી રહેલી વ્યક્તિઓનું બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું, જે પૈકી 3 વ્યક્તિઓને ક્ષેમકુશળ નદીમાંથી બહાર કઢાયાં હતા. જોકે, ગંભીરપણે અસરગ્રસ્ત 2 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર અર્થે રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘટનાના પગલે આસપાસ હાજર રહેલા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતે સમગ્ર મામલો મોકડ્રીલ હોવાનું માલૂમ પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલમાં NDRFની ટીમ દ્વારા સેટેલાઇટ આધારિત સંચાર ઉપકરણો, અંડર વોટર સર્ચ કેમેરા, સોનાર સિસ્ટમ સહિત સ્કુબા સેટ ઉપયોગમાં લેવાયા હતા.

Next Story