Connect Gujarat
ગુજરાત

"નર્મદે સર્વદે" : રાજ્ય માટે નર્મદા એક માત્ર "આશા", પાણીની અછત નહીં સર્જાય : રાજ્ય સરકાર

છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.

X

ગુજરાતમાં આ વર્ષે નહીવત ચોમાસાના કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં વરસાદ નથી અને ચાલુ મહિનામાં પણ વરસાદ પાછો ખેંચાતા નાના મોટા ડેમમાં પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે, ત્યારે વરસાદ નહિવત હોવા છતાં રાજ્યમાં પીવાના પાણીની કોઈ અછત નહિ સર્જાય તેવો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને હૈયા ધારણા આપતા જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ રાજ્યમાં ચોમાસુ નબળું છે અને સરેરાશ વરસાદ પણ નથી થયો, ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યમાં પીવાના પાણીને લઈને ચિંતા ઉભી થાય. પરંતુ વરસાદ ન પણ આવે તો પીવાના પાણી માટે કોઈ તકલીફ ઉભી નહિ થાય તેવું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. સરદાર સરોવર ડેમ દ્વારા રાજ્યમાં 4 કરોડ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત રાજ્યના ખેડૂતોને પણ સિંચાઇનું પાણી આપવામાં આવે છે. તો સાથે જ માલધારી અને પશુઓને પણ પાણી આપવામાં આવી રહ્યું છે.

જોકે, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ વર્ષે વરસાદ નહિવત છે. જેના પરિણામે નર્મદા કમાન્ડ વિસ્તારમાં ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી, જ્યારે વર્તમાન સમયે નર્મદા ડેમની સપાટી 115.81 મીટરની આસપાસ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી રાજ્યના ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને બેઠા છે.

Next Story