Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે “શોર્ય જાગરણ યાત્રા”નું થયું પ્રસ્થાન...

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 300થી વધુ પોલીસ જવાનો રાજપીપળા શહેરમાં ખડકી દેવામાં આવ્યા

X

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની શોર્ય જાગરણ યાત્રા

રાજપીપળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી યાત્રા

300થી વધુ પોલીસ જવાનો, 2 ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની શોર્ય જાગરણ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 300થી વધુ પોલીસ જવાનો રાજપીપળા શહેરમાં ખડકી દેવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લાના કુઇદા ગામેથી નિકળેલી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા રાજપીપળા ખાતે હરિસિદ્ધિ માતાના મંદિરે આવી પહોંચી હતી. હરિસિદ્ધિ માતા મંદિરેથી વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના હરિસિદ્ધિ માતા મંદિરથી સંતોષ ચાર રસ્તા, કાળીયા ભૂત, કોલેજ રોડ, જૂની કોર્ટ થઈ સ્ટેશન રોડ સફેદ ટાવર ચોક ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિજય ચોક થઈ રાજુવાડિયા ખાતે યાત્રાનું રાત્રી રોકાણ થશે, જ્યારે આવતીકાલે પ્રતાપનગરથી ભરૂચ જિલ્લામાં આ યાત્રા પ્રવેશ કરશે.

રાજપીપળાના રાજમાર્ગો પર “જય શ્રી રામ”ના નારા સાથે શોર્ય જાગરણ યાત્રા ફરી હતી. જોકે, નર્મદા જિલ્લાના સેલંબા ખાતે આજ યાત્રા પર પથ્થરમારો થયો હતો, જેના પગલે નર્મદા જિલ્લા પોલીસે યાત્રાને સઘન પોલીસ બંદોબસ્ત આપ્યો હતો. નર્મદા પોલીસ દ્વારા 300 પોલીસ જવાનો અલગ અલગ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે 2 ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલે પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

રાજપીપળા શહેરમાં શાંતિપૂર્ણ રીતે આ યાત્રા રાજમાર્ગો પર ફરી હતી. જોકે, ભરૂચ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી જીતુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શોર્ય જાગરણ યાત્રા દરમ્યાન સેલંબામાં જે બનાવ બન્યો હતો, તેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગુન્હેગારોને સજા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Next Story