Connect Gujarat
ગુજરાત

નવસારી : અમલસાડી ચીકુના પાકમાં આવી "ખરણ", ઉત્પાદન ઓછું થવાથી આર્થિક નુકશાની વેઠવાનો ખેડૂતોને વારો

ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણને અસ્તવ્યસ્ત કરી રહી છે. જેની સીધી અસર ખેત ઉત્પાદન પર થાય છે.

X

બદલાતા વાતાવરણના કારણે ચોમાસમાં અતિવૃષ્ટિ, વધુ પડતું ઝાકળ અને વધુ ગરમી પડતી થઈ છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદીઓમાં પુરની સ્થિતિ બનતા ચીકુમાં ખરણ થવાથી ઉત્પાદન પર અસર થઈ હતી. જેના કારણે લાભ પાંચમથી શરૂ થયેલી ચીકુની સીઝન પાછળ ઠેલાતા ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણને અસ્તવ્યસ્ત કરી રહી છે. જેની સીધી અસર ખેત ઉત્પાદન પર થાય છે. છેલ્લા થોડા વર્ષોથી ઠંડી અને ગરમીના તફાવતમાં બાગાયતી પાકોમાં મોટી નુકશાની જોવા મળી હતી. પરંતુ ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને તેના કારણે નવસારીની લોકમાતા અંબિકા નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે નંદનવન ગણાતા ગણદેવી તાલુકામાં ચીકુનું ઉત્પાદન પ્રભાવિત થયુ છે. જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદમાં ચીકુના ફૂલોનું વધુ પડતું ખરણ થયુ હતું.

સાથે જ વરસાદ અને પુરના પાણીને કારણે ચીકુના વૃક્ષોને નુકશાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા પણ ફળનું બેસાણ ઓછું રહ્યુ, જેના કારણે ચીકુનું ઉત્પાદન ધારવા કરતા 4 ગણું ઓછું આવ્યુ છે. જેની સામે ખેડૂતોને મજૂરોની મજૂરી મોંઘી પડી રહી છે. જેથી આ વર્ષે ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડશે. જેની સામે ગુજરાત સરકારે કૃષિમાં જાહેર કરેલા રાહત પેકેજમાં બારેમાસ થતા ચીકુના પાકને બિનપિયાતમાં ગણીને હેક્ટરે ફક્ત 6800 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી નારાજ ખેડૂતોએ સહાય વધારવામાં આવે તેવી માંગ કરી છે.

લાભ પાંચમથી શરૂ થતી સીઝનમાં જ્યાં અમલસાડ માર્કેટ યાર્ડ સહિતની સહકારી મંડળીઓમાં અંદાજે 2 લાખ મણ ચીકુની આવક થતી હોય છે, ત્યાં આ વખતે લગભગ 500 મણ ચીકુની આવક થઈ છે. ત્યારબાદ પણ ચીકુની ઓછી આવક સામે યોગ્ય ક્વોલિટીના ચીકુ ન આવતા ગત રોજથી અમલસાડ માર્કેટ યાર્ડ આગામી તા. 19 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો ત્યાર સુધીમાં પણ ચીકુ ન આવે તો તા. 26 નવેમ્બરથી ચીકુ લેવાની શરૂઆત કરાશે. જેથી ખેડૂતો સાથે મંડળીઓ અને વેપારીઓને પણ આર્થિક નુકશાની સહન કરવું પડશે.

કારણ કે, નવસારીના ચીકુ ભારતભરમાં જતા હોય છે, અત્યારે ઓછી આવકે ભાવ મળી રહ્યો છે. પણ ક્વોલિટી સારી ન હોવાથી સારો ભાવ મળવો મુશ્કેલ છે. તો બીજી તરફ, જ્યારે આવક વધશે તો ચીકુનો ભરાવો થતા ભાવ નીચો જવાની પણ સંભાવના જોવાઇ રહી છે. જેથી ગુજરાત સરકાર ચીકુના ખેડૂતો માટે વિચારીને વળતરમાં વધારો કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Next Story