દીપડાના ચામડાના વેપલાનો પર્દાફાશ
વન વિભાગની ટીમે કર્યો પર્દાફાશ
દીપડાના ચામડાનો કરતા હતા સોદો
ગંભીર ઘટનામાં ચાર લોકોની ધરપકડ
ઘટનામાં એક મહિલાની પણ સંડોવણી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વન વિભાગે દીપડાનું ચામડું વેચવાની પેરવી કરતા ચાર વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા છે.
નવસારીના વાંસદાના રાણી ફળિયા ગામે વન વિભાગની ટીમે રેડ કરતા દીપડાના ચામડા સાથે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે.ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાંથી લાવવામાં આવેલ આ દીપડાનું ચામડું શિડ્યુલ-1 હેઠળ આવતું હોવાથી તેનું વેચાણ કરવું ગંભીર ગુનો ગણાય છે. વન વિભાગને બાતમી મળી હતી કે કેટલાક લોકો મૃત દીપડાનું ચામડું વેચવા માટે રાણી ફળિયા ગામમાં ડીલ કરવા જઈ રહ્યા છે.આ બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને રેડ કરી હતી.રેડ દરમિયાન ચામડું વેચવા આવેલા તેમજ ખરીદવા આવેલા એમ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વન વિભાગની તપાસમાં આ મામલે એક મહિલાની સંડોવણી પણ સામે આવી છે,અને એ દિશામાં પણ વન વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.વધુમાં વન વિભાગ દ્વારા આ દીપડાને ક્યારે મારવામાં આવ્યો અને ક્યારે એનું ચામડું ઉતારવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જોકે સમગ્ર મામલાને લઈને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે.અને આવનારા સમયમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.