એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવેલા તીર્થસ્થાનોને જોડવા માટે એસટી વિભાગ મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે નવસારી ખાતે રહેતા જૈન સમાજની સુવિધા માટે નવસારી એસટી ડેપો ખાતેથી શંખેશ્વર અને શંખેશ્વરથી નવસારી આવવા જવા માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે.
નવસારીમાં આશરે 20 હજાર કરતાં વધુ જૈન સમાજના લોકોની વસ્તી છે, ત્યારે જૈનોના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર આવવા જવા માટે વર્ષોથી નવસારીથી કોઈપણ બસની સુવિધા ન હોવાના કારણે ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા નવસારીથી શંખેશ્વર અને શંખેશ્વરથી નવસારી આવવા જવા માટે ગુજરાત સરકારને બસ સુવિધા શરૂ કરાવવા બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે જૈન સમાજની માંગણીના અનુસંધાનમાં નવસારી ડેપોથી નવસારીથી શંખેશ્વર અને શંખેશ્વરથી નવસારી આવવા જવા માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા દરરોજ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે નવસારીથી રાત્રે 9:00 કલાકે ઉપડશે અને નવસારી શંખેશ્વર, સમી વાયા સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, વિરમગામ અને માંડલના મુસાફરો આ બસ સેવાનો લાભ ઉઠાવી શકશે. નવસારીમાં પ્રથમ દિવસે ડેપોમાં જૈન આગેવાનો, સમિતિના સભ્યો અને પ્રમુખની આગેવાનીમાં બસની પૂજા અર્ચના કરી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.