/connect-gujarat/media/post_banners/89369bbf4e4a6523ae3008607a8c6d20230f4bf15487d6defafb7f734063ed84.jpg)
હાઇવે પરના પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડીનો મામલો
BPCLના ડીઝલ કાર્ડ થકી ઠગબાજો કરતાં હતા છેતરપિંડી
આંતરરાજ્ય ટોળકીનો સાગરીત આવ્યો પોલીસ ગિરફ્તમાં
નવસારી જિલ્લાના ધોળાપીપળા ગામ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આવેલ હરે ક્રિષ્ના પેટ્રોલ પંપ ખાતે ગત તા. 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આવેલા 2 ઠગબાજોએ પંપ એટેન્ડન્ટને તેમની અન્ય એક કારનું એક્સિડન્ટ થયુ હોવાનું જણાવી, કારને ટો કરી મહારાષ્ટ્ર લઈ જવાની હોય, પણ તેમની પાસે રોકડા રૂપિયા ન હોવાથી BPCLના ડીઝલ કાર્ડ સ્વાઈપ કરીને રોકડા રૂપિયા આપવા અને એ રકમ ડીજીટલી ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જેથી માનવતા દાખવી પંપ સંચાલકોએ રૂપિયા આપવા હામી ભરી, જેથી BPCL કાર્ડ પરથી 23,800 રૂપિયા રોકડા લઈ નો દો ગ્યારહ થઈ ગયા હતા.
થોડા સમય બાદ ડીજીટલી પેમેન્ટમાં ઠગાયા હોવાનું જણાતા પંપ સંચાલકોએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જોકે, 10 દિવસ બાદ ફરી એ જ રીતે મહારાષ્ટ્ર પાસિંગની કાર લઈને આવેલા ઠગબાજોએ પેટ્રોલ પંપ એટેન્ડન્ટને વાતમાં પાડતા સંચાલક તેમને ઓળખી ગયા હતા, અને તેને પકડી પાડ્યો હતો. જોકે, કાર ચાલક ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ઠગને પેટ્રોલ પંપ સંચાલકે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપતા પોલીસે મહારાષ્ટ્ર-નાશિકના માલેગાંવના શારદાનગરમાં રહેતા મહેન્દ્ર વિઠ્ઠલ પગારની ધરપકડ કરી હતી, જ્યારે કાર લઈ ફરાર થયેલા ઠગને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. પોલીસ પકડમાં આવેલા મહેન્દ્ર પગારેએ ઠગાઈની કબૂલાત કરવા સાથે જ ચોંકાવનારી હકીકતો પણ આપી છે. મહેન્દ્રની ટોળકીમાં એના જેવા 100થી વધુ લોકો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરે છે, જ્યારે નવસારી પોલીસની તપાસમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ કંપનીના કાર્ડ થકી આ પ્રકારે દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપીંડી થઈ છે. એક અંદાજ મુજબ ગત 8થી 18 નવેમ્બર સુધીના 10 દિવસમાં જ 15થી 20 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, નવસારી ગ્રામ્ય પોલીસે ઠગ ટોળકીનો એક પ્યાદો પકડીને રાષ્ટ્રીય સ્તરે થતી મોટી ઠગબાજીનો પર્દાફાશ કર્યો છે.