/connect-gujarat/media/post_banners/c8582ffce89fd1023f1ca497a0db9781e10725fedfe52866078d9721801dd407.jpg)
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલા ડેપ્યુટી સીએમ નિતિન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે.
રાજયમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે અને તેનો આછેરો ખ્યાલ ડેપ્યુટી સીએમ નિતિન પટેલના નિવેદન પરથી આવી રહયો છે. ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદના ઉપક્રમે ભારતમાતા મંદિર અને મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગોઉચિત ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો બધું ત્યાં સુધી છે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. હું બધા વિશે વાત નથી કરી રહ્યો. મારે એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લાખો મુસલમાન દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે, તે બધા જ દેશભક્ત છે.
નાયબ મુખ્યમંત્રીએ વિશ્વ હીંદુ પરિષદના કાર્યક્રમમાં હીંદુત્વનો રાગ આલાપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, મારા શબ્દો લખી લો, જો હિંદુઓની સંખ્યા ઘટી તો તે દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે, કોઈ જ લોકશાહી નહીં, કોઈ બંધારણ નહીં રહે. બધા હવામાં દફનાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિતિન પટેલ જયારે નિવેદન આપી રહયાં હતાં ત્યારે વિશ્વ હીંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ટોચના નેતાઓ હાજર હતાં. આ ઉપરાંત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતાં. આમ ચુંટણી પહેલાં ડેપ્યુટી સીએેમ નિતિન પટેલનું નિવેદન આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો એજન્ડા શું હશે તેના તરફ પણ અંગુલિનિર્દેશ કરી રહયું છે.