પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાનાં પાળા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે
પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના પાલ્લા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે. આજે સમાજમાં વટભેર જીવન વ્યતિત કરી રહી છે. પાલ્લા મિશન મંગલમ મંડળની બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર પરિવારને મદદરૂપ થવા અને પોતે પણ આર્થિક રીતે પગભર થવા માટે મિશન મંગલમ યોજનાની જાણકારી મેળવી આ બહેનોને વાંસ કામ માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ સાથે ૧૦ દિવસની નિ:શુલ્ક તાલીમ આપવામા આવી છે.
ત્યારબાદ વાસંકામ પ્રવૃતિ દ્વારા સુશોભનની સુપડુ, પેન બોક્સ, ટીફીનના ડબ્બા, ટોપલીઓ, છાબડીઓ, ગૃહશોભા માટેની વસ્તુઓ, ફાનસ વગેરે બનાવવા માટે તેમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કેશ ક્રેડિટ યોજના અંતર્ગત બેંકમાથી પ્રત્યેક ગ્રુપને રૂા. ૦૧ લાખની લોન મળી છે. કમ્યુનિટી ઈન્વેસ્ટ ફંડ હેઠળ પ્રત્યેક ગ્રુપને ૭૦ હજારની લોન મળી છે. વિલેજ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત આ જુથોને ૫ લાખની સહાય આપવામા આવી છે. બેંકમાંથી રિવોલિંગ ફંડ પ્રત્યેક ગ્રુપને ૧૨ હજાર મળેલ છે તેમજ સ્ટાર્ટઅપ ઓફ ગ્રામ વિલેજ યોજના અંતર્ગત પ્રત્યેક ગ્રુપને ૦૧ લાખની સહાય મળી છે. આ સાથે પ્રત્યેક બહેનો મહિને ૧૦૦ રૂપિયા બચત કરે છે જે અંતર્ગત મહિને ૬૦૦૦ની બચત ઉભી થાય છે જે મુશ્કેલીના સમયમા આ નાણાંનો ઉપયોગ કરી પરીવારમાં સહભાગી બને છે. આમ સરકારની મિશન મંગલમ યોજના થકી પાલ્લા ગામના મંડળની બહેનો વાંસકામના વ્યવસાય દ્રારા આજીવિકામાં વધારો કરી આ ગરીબ બહેનો આજે સમાજમાં સ્વમાનભેર જીવી અન્ય બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.