મેટરનિટી હોસ્પિટલનું શરમજનક કૃત્ય
માનવ તસ્કરીની ઘટનાથી ચકચાર
બાળકીને જન્મ આપી અજાણી મહિલા ફરાર
હોસ્પિટલના સ્ટાફે બાળકીને અન્ય ઈસમોને આપી દીધી
બાળકી બીમાર પડતા આખી ઘટના પ્રકાશમાં આવી
ગોધરા દીપ મેટરનિટી હોસ્પિટલમાંથી માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.અને પોલીસ દ્વારા 8 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોધરા દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ગંભીર ચોંકાવનારી ઘટનાએ મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.સમગ્ર મામલે પ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે અને બાદમાં ઝીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર થતા ગોધરા શહેર A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે દીપ મેટરનિટી હોસ્પિટલના સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા, ત્યજી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખી માનવ તસ્કરી કરનાર 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.દીપ મેટરનિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પણ પોલીસે ફરિયાદ દર્જ કરી છે.
પોલીસ તપાસમાં આરોપી શખ્સોએ પૂર્વ સુનિયોજિત કાવતરું રચી દીપ મેટરનિટી હોસ્પિટલમાં અજાણી મહિલાની પ્રસૂતિ કરાવી બાળકીનો જન્મ થતા બાળકીની માનવ તસ્કરી કરી હતી. બાળકીને જન્મ આપનાર માતા બાળકીને ત્યજી દેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને ગોધરા તાલુકાના એક ગામના અન્ય ઈસમોને ગેરકાયદેસર રીતે આપી દીધી હતી.
બાદમાં બાળકી બીમાર પડતા સારવાર માટે ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્યના વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા ખાનગી હોસ્પિટલના તબીબને શંકા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને આરોપીઓને દબોચી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.