/connect-gujarat/media/media_files/2025/10/30/pm-2025-10-30-21-42-20.jpg)
પ્રધાનમંત્રી મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મોદી વડોદરા એરપોર્ટ પહોંચ્યા બાદ રોડ માર્ગે કેવડિયા પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીએ એકતા નગર અને રાજપીપળામાં 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગરમાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી વડોદરાથી રોડમાર્ગે કેવડિયા પહોંચ્યા. જ્યાં તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી હતી.
પ્રધાનમંત્રી મોદીના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. એકતા દિવસ પરેડ યોજાશે.જેમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે. જેમાં આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનનો સમાવેશ કરતી BSF માર્ચિંગ કન્ટીજન્ટ, ગુજરાત પોલીસના ઘોડાની કન્ટીજન્ટ, આસામ પોલીસનો મોટરસાયકલ ડેરડેવિલ શૉ અને BSFનો કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે.
BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું સન્માન
પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરવામાં આવશે.





































