Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું પૂર્ણ

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું પૂર્ણ
X

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.

રાજ્યમાં 25 બેઠકો પર મતદાન સમયે 92 જેટલી ફરિયાદો મળી છે. રાજ્યના ત્રણ ગામોમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. EVM ખોટકાયાની 11 ફરિયાદો મળી હતી.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

મતદાનના દિવસે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તારીખ 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.

Next Story