Connect Gujarat
ગુજરાત

ગુજરાતનું ગૌરવ “સાવજ” : આજે વિશ્વ સિંહ દિવસ એટલે, જંગલના રાજા સિંહને ઓળખવાનો દિવસ...

આજે તા. 10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

X

આપણે જોઈએ છે તેમ, દુનિયામાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ, જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવવા માટે "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ ગુજરાતનું ગૌરવ એટલે “સાવજ”

આજે તા. 10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2005માં સિંહની સંખ્યા 359 હતી, ત્યારે છેલ્લા 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. ગુજરાત રાજ્યના ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. વર્ષ 1913માં એ અંદાજ આવ્યો હતો કે, ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા ઘટી ગઇ છે, ત્યારે સિંહને બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, દર વર્ષે સૌથી વધુ 1 લાખ જેટલા મુલાકાતીઓ દ્વારા ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવે છે, ત્યારે મુલાકાતીઓ ગીર જંગલમાં આવી ઘણી મોજ માણે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક,પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખૂબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોના સહકાર, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વન વિભાગની સખ્ત મહેનતના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રના 22000 ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જુનાગઢ શહેર ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલી યોજાય હતી. જેમાં વિદ્યાર્થીઓએ સિંહના મુખૂટા તેમજ સિદ્દી સમુદાયના લોકોએ પારંપારિક વસ્ત્રો પરિધાન કરી સિંહ બચાવોના સૂત્રો સાથે વિશાળ રેલી યોજી હતી, ત્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલી રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.

Next Story