Connect Gujarat
ગુજરાત

ધરતીપુત્રો વાંચો, શેરડીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે લેવાની થતી કાળજી...

સપ્ટેમ્બર અને ઓકટોબર માસ દરમિયાન શેરડી પાકમાં સફેદ માખી જોવા મળે છે. આ સફેદ માખી શેરડીના ટોચના પાન ઉપર ઇંડા મૂકે છે.

ધરતીપુત્રો વાંચો, શેરડીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે લેવાની થતી કાળજી...
X

સપ્ટેમ્બર અને ઓકટોબર માસ દરમિયાન શેરડી પાકમાં સફેદ માખી જોવા મળે છે. આ સફેદ માખી શેરડીના ટોચના પાન ઉપર ઇંડા મૂકે છે. આ ઇંડામાંથી નીકળેલા બચ્ચાં પાન પર એક જગ્યાએ ચોંટી રસ ચૂસે છે. જેને લીધે પાન પીળા પડે છે.

જોકે, આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતા કાળી ફૂગનો વિકાસ થવાથી પાન કાળા પડે છે. પરિણામે આવી શેરડી પશુઓને ખાવાલાયક રહેતી નથી. ઉપદ્રવિત પાકમાં ખાંડના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. આથી ગોળ અને ખાંડની ગુણવત્તા તેમજ પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. જેથી ખેડૂતમિત્રોએ થોડી કાળજી લઇને શેરડી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે નીચે મુજબના અસરકારક પગલા લેવાના રહેશે. પાણી ભરાય તેવા ખેતરમાં તથા ક્ષારીય ભાસ્મિક જમીનમાં સફેદ માખીનો ઉપદ્વવ વધારે જોવા મળે છે. તેથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. નાઇટ્રોજન અને ફોસ્ફરસયુકત ખાતરો ભલામણ મુજબ વાપરવા, સફેદ માખીના અટકાયતી પગલા તરીકે લીંબોળીનું તેલ ૧ લીટર + ૧૬૦ ગ્રામ ડીટરજન્ટ પાઉડર મિશ્ર કરી છંટકાવ કરવાનો રહેશે ઉપરાંત ૨ ટકા યુરિયાના દ્વાવણનો છંટકાવ કરવો.રાસાયણિક નિયંત્રણ માટે ટ્રાયેઝોફોસ ૪૦ ટકા ઇસી ૧૨ મીલી. અથવા એસીફેટ ૭૫ ટકા એસપી ૧૨ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મીલી. પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાનો રહેશે. સફેદ માખીના જૈવિક-વ-યાંત્રિક નિયંત્રણ માટે એનકારસીયા ઇસાકી તેમજ એનકારસીયા મેક્રોપ્ટેરા જેવા પરોપજીવીઓની વૃધ્ધિ કરવા વિકસાવેલ પાંજરાનો ઉપયોગ કરવાનો રહેશે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કેવીકે/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિ.)/નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ ઉપર સંપર્ક કરવા માટે ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Next Story