Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કોરોનાના કારણે લગ્ન સંગઠિત ધંધા ઠપ્પ થતાં ધંધાર્થીઓને માઠી અસર...

હાલમાં લગ્નસરાની સિઝન દરમિયાન જ કોરોનાની ત્રીજી લહેરે જોર પકડતા મંડપ-ડેકોરેશન તેમજ લાઇટ શણગાર સહિતના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

X

હાલમાં લગ્નસરાની સિઝન દરમિયાન જ કોરોનાની ત્રીજી લહેરે જોર પકડતા મંડપ-ડેકોરેશન તેમજ લાઇટ શણગાર સહિતના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈને રાજ્યમાં 70 ટકા જેટલા લગ્નપ્રસંગોના ઓર્ડરો મોકૂફ થયા છે, ત્યારે હવે મંડપ-ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને મોટી અસર પહોંચી છે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે લગ્નપ્રસંગો મોકૂફ રાખવામાં આવ્યા હતા. જેને લઈને મંડપ અને ડોકેરેશનના વ્યવસાય સાથે સંકળાયેલ 50થી વધુ એજન્સીઓ મૃત પાયે આવી હતી, જ્યારે બીજી લહેર બાદ કોરોના સમી રહ્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે 400 લોકોની મર્યાદા સાથે લગ્નપ્રસંગ યોજવા છૂટ આપી હતી. જોકે, માંડવા બંધાવવાના શરૂ થયા, મંડપ અને લાઈટ ડેકોરેશનને પણ જીવનદાન મળવાનું શરૂ થયું હતું. તેવામાં જ ફરી કોરોનાનું સંક્રમણ વધતાં 1600થી વધુ લગ્નપ્રસંગો પૈકી 70 ટકાથી વધુ લગ્ન મોકૂફ રાખવા પડ્યા છે. સરકારના એક જ નિર્ણયથી લગ્ન સાથે સંકળાયેલ સેંકડો લોકોની આજીવિકા છીનવાય ગઇ છે.

કોરોનાનું સંક્રમણ વધવાના કારણે નિયંત્રણો વધુ કડક કરવાની સાથે જ લગ્નપ્રસંગોમાં ફક્ત 150 લોકોની મર્યાદામાં સામેલ થવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે, ત્યારે લગ્નનું આયોજન કરી બેઠેલ માતા-પિતા સહિતના પરિવારજનો મુંઝવણમાં મુકાયા છે. જોકે, તેની સીધી અસર પણ મંડપ અને લાઈટ ડેકોરેશનના એડવાન્સ બુકિંગ થયેલા ઓર્ડરો પર પડી છે. માત્ર મંડપ કે, ડેકોરેશન નહીં પણ તેના થકી નભતી એજન્સીઓને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તો સાથે જ 5 લાખ જેટલા શ્રમિકોને પણ અસર પહોંચી છે. તમામ વ્યવસાયકારો માટે હવે મુશ્કેલજનક સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાની બન્ને લહેરે અનેકોના વ્યવસાય બદલાવી દીધા છે, તો ત્રીજી લહેરે મંડપના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નુકશાનીના હાશિયામાં ધકેલી દીધા છે.

Next Story