/connect-gujarat/media/post_banners/764b0f901b6d9e001ca864d26f68887784000cbfe50f6dd044108a12d050492e.jpg)
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદીવાસી સમાજને પોતાના મકાન છોડી જમીન પરત કરવાની અરજી મળતા પરિવારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ઈડર તાલુકાના આદીવાસી સમાજે ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી પોતાની જમીન ન છોડવા તેમજ વન વિભાગ દ્વારા થતાં ઉદ્ધતાઈભર્યા વર્તન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આદીવાસી સમાજના કેટલાક પરિવારો છેલ્લાં ઘણા સમયથી ભારે મૂંઝવણમાં મુકાયા છે. અહીના અંતરિયાળ વિસ્તારમાં વસતા અને અશિક્ષિત સમાજને તંત્રના નામે વન વિભાગ દ્વારા ધાકધમકી તેમજ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે.
ઈડર તાલુકાના સિયાશન ગામની સીમમાં વસતા આદીવાસી પરિવારો છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતે સ્થળ પર વસવાટ કરે છે, જ્યારે વર્ષોથી આદીવાસી સમાજના કેટલાક પરિવારો છૂટક મજૂરી તેમજ ખેતી કામ કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં વન વિભાગ તેમજ તંત્ર દ્વારા આ પરિવારોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જોકે, વન વિભાગ દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ પિડીત પરિવારો યોગ્ય ન્યાય માટે તંત્રનાં આંગણે પહોંચ્યા છે. વન વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પિડીત પરિવારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યુ હોવાની રાવ ઉઠવા પામી છે. તો બીજી તરફ, પિડીત પરિવારોએ એકઠા થઈ ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી પોતાને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી. આ સાથે જ આવનાર દિવસોમાં અહી વસતા પિડીત પરિવારોને તંત્ર દ્વારા ઝડપી તેમજ યોગ્ય ન્યાય મળે તેવી આદીવાસી સમાજ મીટ માંડીને બેઠો છે.