મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી. પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે. જીહા... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે, જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે, અને આ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઉભી કરી રહી છે. નવરાત્રીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તખતગઢ-કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવી રહી છે. જેમ કે આ મહિલાઓ જુની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણીયાચોળી, પાયજામા, પર્સ, પગ લુછણીયા સહિતની સામગ્રી બનાવી વેચાણ કરે છે, અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે.
જોકે, વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે જુની સાડી અથવા કેટલાક જુના કપડા એકત્રિત કરી તેને ગામની મહિલાઓ નવિન આકાર આપે છે. જેમ કે, પર્સ બનાવે છે તો આ ઉપરાંત નવરાત્રીમાં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે. જેના થકી મહિલાઓ અવનવી પ્રકારની કામગીરી કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે. જેના થકી મહિલાઓ ઘરનું કામકાજ પૂર્ણ કર્યા બાદ આ પ્રકારની કામગીરી કરી પરિવાર સાથે ખભાથી ખભો મિલાવી રહી છે. આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની ઘર ખર્ચમાં પરિવારને મદદ કરી રહી છે.