અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણા દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવની ઉજવણી, PM મોદી વર્ચ્યુઅલી સહભાગી થયા...

આ શતાબ્દી મહોત્સવથી સામાજિક એકતાનું લક્ષ્ય જરૂર પાર પડશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

New Update
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણા દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવની ઉજવણી, PM મોદી વર્ચ્યુઅલી સહભાગી થયા...

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં દ્વિતીય દિવસે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. "કચ્છડો ખેલે ખલક મેં..." ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે,

આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે. કારણ કે, શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. વડાપ્રધાને વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજની સેવાના ૧૦૦ વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના ૫૦ વર્ષ અને મહિલા પાંખના ૨૫ વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે, ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે.

સનાતની શતાબ્દિ મહોત્સવના દ્વિતિય દિવસના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાની હાકલ કરી છે. ત્યારે ‘એક ભારત’ના નિર્માણ માટે સામાજીક એકતા અનિવાર્ય છે. આપણું લક્ષ્ય એક બની, નેક બની ‘શ્રેષ્ઠ ભારત’, ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવાનું છે.

આ સનાતની શતાબ્દી મહોત્સવ સામાજીક એકતાને સુદ્રઢ કરવાની પીઠીકા સમાન છે. આ શતાબ્દી મહોત્સવથી સામાજિક એકતાનું લક્ષ્ય જરૂર પાર પડશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો રાજ્યના મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે દેશ અને કચ્છની સંસ્કૃતિને વિશ્વમાં જીવંત રાખી છે. તેમણે પાટીદાર સમાજને હિન્દુ સમાજની કરોડરજ્જુ ગણાવીને પાટીદાર સમાજને સમાજના સારા પ્રસંગો સાથે પર્યાવરણને જોડવા આહવાન કર્યું હતું. આ તકે તેમણે ખેડૂતોને પાણી બચાવવા ટપક પદ્ધતિનો ઉપયોગ કરવા તેમજ સમગ્ર સમાજને પાણી, વીજળી, ઈંધણ વગેરેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

તેઓએ પાટીદાર સમાજને સાહસનો પર્યાય ગણાવીને સર્વે પાટીદારોને વતનપ્રેમ માટે બિરદાવ્યા હતા. આ શતાબ્દિ મહોત્સવ નિમિત્તે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય સર્વ કેશુ પટેલ, અનિરુદ્ધ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પાટીદાર સમાજના આગેવાનો સર્વ સનાતની શતાબ્દી મહોત્સવના ચેરમેન ગોપાલ ભાવાણી, અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ અબજી કાનાણી, મહામંત્રી પુરૂષોત્તમ ભગત, ગંગારામ રામાણી, વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલ, યજમાન સાવિત્રી પૂંજાલાલ શિરવી તથા હંસરાજ ધોળુ સહિત પાટીદાર જ્ઞાતિજનો, દાતાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories