/connect-gujarat/media/media_files/2025/11/09/css-2025-11-09-09-04-05.jpg)
ભુજથી બરેલી જતી એક્સપ્રેસ ટ્રેનમાં સાંજના સમયે ધુમાડાના ગોટેગોટા નીકળતા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. ઘટના સમયે ટ્રેન ભચાઉ રેલવે સ્ટેશન નજીક હતી. જેના કારણે તાત્કાલિક સુરક્ષા હેતુસર ટ્રેનને ભચાઉ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.થોડા સમય બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી
પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેનના એક કોચમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કેટલાક મુસાફરો ડરના માર્યા બારી અને દરવાજા મારફતે બહાર ઊતરી ગયા હતા.સ્થાનીક અધિકારીઓ અને રેલવે સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગને પણ સતર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
લગભગ 25 મિનિટ સુધી ટ્રેન ભચાઉ રેલવે સ્ટેશન પર રોકાયેલી રહી હતી. ટેક્નિકલ ટીમ દ્વારા સુરક્ષા ચકાસણી કરીને ટ્રેનને ભચાઉ ખાતેથી ફરી રવાના કરવામાં આવી હતી.સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થવાનું ટળ્યું છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે.કોઈ વ્યક્તિએ બીડી સિગારેટ કોચમાં ફેંકતા આગ લાગી હોવાનું અનુમાન છે બીજી તરફ ચર્ચાતી વાતો મુજબ જનરેટર સેટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે જો કે આ બાબતે રેલવે સતાવાળાઓનો સંપર્ક થઇ શક્યો નથી