કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે ૨૦૧૯માં ‘વિશ્વાસ’ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓના મુખ્ય મથકો, રાજ્યના ૬ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળ-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાહેર પ્રવૃતિઓની હિલચાલનું નિરિક્ષણ કરવા નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા.
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં તા. ૧૦-૦૧-૨૦૨૦ના રોજ મુખ્ય મથક નડિયાદ ખાતે કુલ ૪૧ સ્થળો પર ૨૦૦ અને જિલ્લાનાં મુખ્ય ધાર્મિક સ્થળ ડાકોરના કુલ ૨૯ સ્થળો ખાતે ૧૨૪ એમ કુલ ૩૨૪ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા આ સ્થળોની હિલચાલને રુરલ પોલીસ સ્ટેશન, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, નડિયાદ ખાતે ૨૪ કલાક મોનિટર કરવામાં આવે છે. આ સીસીસીટીઓ કેમેરાની મદદથી જિલ્લા પોલીસ વિભાગને ચોરી, લૂંટ,ચેન સ્નેચિંગ, કિડનેપીંગ, ખોવાયેલ વ્યક્તિ અને વસ્તુઓની શોધ, હિટ એન્ડ રન જેવી ગુનાહિત પ્રવૃતિઓને પર્દાફાસ કરવામાં ઉલ્લેખનીય મદદ મળી છે. નેંત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર પર કાર્યરત ઈવેન્ટ પોર્ટલ અનુસાર આ સીસીટીવી કેમેરાઓથી તા. ૧૦-૦૧-૨૦૨૦થી શરૂ કરીને અત્યાર સુધીમાં જિલ્લા પોલીસ વિભાગને ખોવાયેલ વસ્તુઓના ૪૮, રોડ એકસીડન્ટ ૪૭, હિટ એન્ડ રનના ૭, ચોરીના ૩૨, ખોવાયેલ વ્યક્તિઓના ૧૫, કિડનેપિંગના ૦૨, ટ્રાફિક વ્યવસ્થાપનનો ૧, ગુના પછીની તપાસમાં મદદરૂપના ૧૭, કોવિડ જાહેરનામાના ઉલ્લંઘન બદલ માસ્ક વિના ફરનારના ૬૮૮૮ અને અન્ય જાહેરનામાના ઉલ્લંઘન બદલ ૪૫૯ કેસ એમ કુલ ૭૫૧૯ કેસોનો સકારાત્મક નિકાલ લાવવામાં મદદ મળી છે.
નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, નડિયાદની ટીમની પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા પોલીસ વિભાગ અને ગુજરાત સરકાર માટે હર્ષની લાગણી વ્યક્ત કરતા મહેમદાવાદના રહેવાસી ૫૬ વર્ષીય પ્રજ્ઞેશ પંડ્યા જણાવે છે કે, તા. ૧૦ મે, ૨૦૨૩ના રોજ નડિયાદ રેલવે સ્ટેશનથી તેમનો મોબાઈલ ગુમ થયો હતો. તા. ૧૭ જૂન ૨૦૨૩ના રોજ જિલ્લા પોલીસ વિભાગને આ બનાવ અંગેની રજૂઆત કરતા નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની ટીમે પ્રજ્ઞેશભાઈને સીસીટીવી ફુટેજ બતાવીને ફક્ત ૪ કલાકની અંદર ગુમ થયેલ મોબાઈલ મેળવી આપ્યો હતો. એવી જ રીતે તા. ૧૦ જુન, ૨૦૨૩ના રોજ ખોડિયાર પાન સેન્ટર, પીજ રોડ ખાતેથી ઉમેદ દરબારનું એક્ટિવા એક અન્ય વ્યક્તિને પોતાના એક્ટિવા જેવું સમાન જણાતા ભુલથી લઈ ગયેલા. બીજા જ દિવસે તા. ૧૧ જૂન, ૨૦૨૩ના રોજ આ ગુમ થયેલ એક્ટિવાની હિલચાલને નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ટ્રેસ કરી જે-તે વ્યક્તિ પાસેથી પરત મેળવવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાનાં લાભની વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા જણાવે છે કે, ચોરી, એક્સીડન્ટ અને ખોવાયેલ વ્યક્તિની શોધખોળ કરવામાં સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ કેમેરાઓના ઉપયોગથી જે તે અપરાધના વિસ્તાર વ્યાપને મર્યાદિત કરી શકાય છે. જેથી ઝડપથી અને સચોટ રીતે પોલીસતંત્રને પોતાની ઉર્જાને નિશ્ચિત દિશામાં વાપરવાનો ખ્યાલ આવે છે, ત્યારે આગામી સમયમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે.