રાંદેર વિસ્તારમાંથી એક યુવાનની માનવતા સામે આવી
યુવાનને રૂ. 3.50 લાખ ભરેલી એક થેલી મળી આવી હતી
યુવાનને મળેલી રોકડ રકમ પોલીસ મથકે જમા કરાવી
પોલીસે રૂ. 3.50 લાખ મોરાભાગળના મૂળ માલિકને આપ્યા
પૈસા પરત મળતા યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરયા
સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એક યુવાનની માનવતા સામે આવી છે. યુવાનને 3.50 લાખ રૂપિયા ભરેલી એક થેલી મળી આવી હતી. જેથી યુવાને આ રોકડ રકમ પોલીસને આપતા પોલીસે મૂળ માલિકને પૈસા પરત કર્યા હતા.
સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં 23 વર્ષીય મેકદાદ જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા. 27 જૂન 2024ના રોજ મેકદાદ જાવેદ મેમણ રાંદેર પોલીસ મથકે આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, તા. 26 જૂન 2024ના રોજ રાત્રે પોતાના ધંધાના કામ અર્થેના રોકડા રૂપિયા 3.50 લાખ લઈને બેંકના ATMમાં જમા કરવા માટે ગયા હતા, જ્યાં પૈસા ડિપોઝિટ કરવા ગયા તે વખતે અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તેઓ તાત્કાલિક ATMમાંથી બહાર આવી મોપેડ લઈને ઘરે જવા નીકળી ગયા હતા.
તે વખતે રસ્તામાં 3.50 લાખ રૂપિયા ભરેલી થેલી ATMમાં ભૂલી ગયાની જાણ થઈ હતી. જેથી તેઓ પરત ATM પર આવીને તપાસ કરી હતી. પરંતુ ત્યાં પૈસા નહોતા, જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરી, પરંતુ કોઈ હાથ ન લાગતા તેઓએ ઘરે આવી પરિજનોને વાત કરી હતી. આ દરમિયાન બીજા દિવસે તેઓ રાંદેર પોલીસ મથકે પહોંચ્યા, અને પૈસા બાબતેની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
ત્યારે CCTV ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોતાની પાસે પૈસા સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી પૈસા પોલીસને સુપ્રત કર્યા હતા, અને કહ્યું હતું કે, આ પૈસા મૂળ માલિકને આપી દેજો. જેથી પોલીસે મેકદાદ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવી ખરાઈ કરી પૈસા પરત આપ્યા હતા.
આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા, અને પોલીસ તેમજ જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે યુવાનના પૈસા પડી ગયા હતા, તેને હૃદયની બીમારી હતી અને થોડા સમય પહેલા જ ઓપરેશન કરાવ્યુ હતું.