સુરેન્દ્રનગર : PNG ગેસના ભાવમાં રૂ. 2.50નો વધારો થતાં થાનગઢ સિરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી..!

PNG ગેસનો ભાવ પ્રતિ યુનિટ રૂ. 37.90 હતો, જે વધીને હવે રૂ. 40.04 પ્રતિ યુનિટ થયો છે. સિરામિક ઉદ્યોગમાં દૈનિક 2.40 લાખ કિલો PNG ગેસનો વપરાશ થાય છે.

New Update
સુરેન્દ્રનગર : PNG ગેસના ભાવમાં રૂ. 2.50નો વધારો થતાં થાનગઢ સિરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી..!

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. પરંતુ સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસના ભાવમાં તાજેતરમાં પ્રતિ યુનિટ દીઠ રૂપિયા 2.50નો વધારો ઝીંકવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકામાં અંદાજે 200થી વધુ નાના-મોટા સિરામિક ઉદ્યોગ આવેલા છે. જેમાં વર્ષોથી અનેક શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બીજી તરફ, થાન સિરામિક ઉદ્યોગમાં બનતી સિરામિક, સેનેટરી સહિતની આઈટમોની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બહારના રાજ્યો અને વિદેશમાં પણ હોવાથી થાનની સેનેટરીની આઈટમ આફ્રિકા, યુરોપ, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં નિકાસ કરવામા આવે છે. સિરામિક ઉદ્યોગમાં બનતી આઈટમોના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન PNG ગેસનો ઉપયોગ થાય છે.

પરંતુ સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા અવારનવાર PNG ગેસના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ વધતો રહે છે, જ્યારે સામે સિરામિક આઈટમોનો ભાવ ઉદ્યોગકારો મોંઘવારીના કારણે વધારી નથી શકતા. મોંઘવારીના કારણે સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો તો કરી જ રહ્યો છે. પરંતુ વારંવાર PNG ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા PNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી હાલ સિરામિક ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.

જોકે, થાનગઢ તાલુકામાં આવેલ અંદાજે 200થી વધુ સિરામિક ઉદ્યોગમાં અંદાજે 25 હજારથી વધુ શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, અને મોટા ભાગે સિરામિક ઉદ્યોગ પર નિર્ભર રહે છે, ત્યારે તાજેતરમાં જ ગેસ કંપનીઓ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસમાં પ્રતિ યુનિટ 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. PNG ગેસનો ભાવ પ્રતિ યુનિટ રૂ. 37.90 હતો, જે વધીને હવે રૂ. 40.04 પ્રતિ યુનિટ થયો છે. સિરામિક ઉદ્યોગમાં દૈનિક 2.40 લાખ કિલો PNG ગેસનો વપરાશ થાય છે.

આથી ગેસમાં ભાવ વધતા દૈનિક રૂ. 4.80 લાખ અને એક મહિનામાં સરેરાશ રૂપિયા 1.44 કરોડનો ફટકો પડ્યો છે, જ્યારે PNG ગેસમાં ભાવ વધારાના કારણે માલ વધુ કિંમતમાં તૈયાર થાય છે, જેના કારણે સિરામિક ઉધોગકારોને માર્કેટમાં સ્થાયી રહેવું મુશ્કેલ બન્યું છે. દરેક સિરામિક એકમોમાં લાખોની કિંમતનો તૈયાર માલ પડ્યો છે. પરંતુ ભાવ વધારાના કારણે વેચાણ થતું નથી. જેના પગલે હાલ થાનગઢ તાલુકામાં માત્ર 30% જ સિરામિક ઉદ્યોગો ટકી રહે તેમ છે, જ્યારે બાકીના ઉદ્યોગ સંપૂર્ણપણે મૃતપાય હાલતમાં આવી ગયાં છે. આથી સરકાર અને ગેસ કંપની દ્વારા PNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી સિરામિક ઉદ્યોગકારોમાં માંગ ઉઠવા પામી છે.

Latest Stories