/connect-gujarat/media/post_banners/9a2ace89b30ffbae1b31951290a52882a2e69a6dd3df1d84b91e2bd9c217da1d.jpg)
બિપરજોય વાવાઝોડાને પહોચી વળવા તંત્ર સજ્જ
જે તે જીલ્લામાં હેમ રેડિયોની ટીમ સ્ટેન્ડ બાય રખાય
દ્વારકા ખાતે કેન્દ્રિય મંત્રીએ ફુડ પેકેટ તૈયાર કરાવ્યા
વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કામગીરીની સમીક્ષા કરાય
સમગ્ર ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે રાજ્યભરના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક અંગે રાહત કમિશનર આલોક પાંડેએ સમીક્ષા બેઠકની વિસ્તૃત વિગતો આપી હતી
તો આ તરફ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે. જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે. વાવાઝોડાના કારણે જ્યારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે, તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયોની ટીમ કલેક્ટર કચેરી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
તો બીજી તરફ, બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા આયોજનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રિય પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરીઓ થઈ રહી છે. મંત્રી પુરષોત્તમ રૂપાલા 2 દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. કેન્દ્રિય મંત્રીએ દ્વારકા ખાતે મુક્તાનંદ આશ્રમની મુલાકાત લઇ ફુડ પેકેટ તૈયાર કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ આશ્રમની આ કામગીરીને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સંસ્થા દ્વારા 5100 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાયા છે, અને જરૂર પડ્યે વધુ 5 હજાર પેકેટ તૈયાર કરવાનું આયોજન છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પડધરી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને આવશ્યક સૂચનો આપ્યા હતા. કલેક્ટરએ આરોગ્ય કેન્દ્રો ખાતે એક્સ-રે રૂમ, જનરેટર રૂમ, લેબોરેટરી રૂમ, એન.બી.એસ.યુ. રૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટરએ બ્લડ સ્ટોરેજ રૂમમાં લોહી તેમજ ફાર્મસી રૂમમાં દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં રાખવા તાકીદ કરી હતી. તેમજ જરૂર પડે તો સેવાભાવીઓની મદદ લઈ વધારે એકસ-રે મશીન ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.