દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે
24 ઈંચ સાથે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જિલ્લામાં ધંધુકામાં સૌથી વધુ 110 ટકા, તો બાળવામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.