/connect-gujarat/media/media_files/2025/10/14/vrsad-2025-10-14-22-46-03.jpg)
રાજ્યમાં ચોમાસું વિદાયની તૈયારીમાં હોય તેવા માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 16 ઓક્ટોબરથી લઈને 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
આવતીકાલ (16 ઓક્ટોબર) માટેની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ આગાહી મુજબ નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ અથવા થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે.
આગામી 17 થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. આ ઉપરાંત, 17 ઓક્ટોબરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 17 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ સમગ્ર ગાળા દરમિયાન થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે. જોકે, લઘુતમ તાપમાન અંગે આગાહી છે કે આગામી બે દિવસ સુધી તે યથાવત રહ્યા બાદ, ત્યારબાદના બે દિવસમાં તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે સવારે અને રાત્રે પણ ગરમીનો અનુભવ વધશે. ખેડૂતોને આ વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.