/connect-gujarat/media/media_files/2025/08/25/varsada-2025-08-25-22-02-58.jpg)
હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસશે.
આજે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૬૯ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
જુનાગઢમાં વરસાદી માહોલ
જુનાગઢ જિલ્લામાં ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. વિસાવદર અને ભેસાણ પંથકમાં વરસાદ નોંધાયો છે, જેમાં વિસાવદરમાં બે કલાકમાં બે ઇંચ અને ભેસાણમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. વિસાવદરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જ્યારે જુનાગઢ સહિત અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
પંચમહાલમાં ધોધમાર વરસાદ અને પાનમ ડેમના દરવાજા ખોલાયા
પંચમહાલના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોધરામાં કલેક્ટર કચેરીના ગેટ પાસે પાણી ભરાયા છે. વરસાદને પગલે પાનમ ડેમના પાંચ દરવાજા ૭ ફૂટ ખોલીને ૪૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.