Connect Gujarat
ગુજરાત

વડોદરા પોલીસની અનોખી પહેલ, હેલ્થ સુધારો અને મનપસંદ પોસ્ટિંગ મેળવો…

X

પોલીસકર્મીઓની હેલ્થ સુધારણા સ્કીમનો અમલ કરાયો

90 દિવસમાં 17 કિલોથી વધુ વજન ઉતારનારનું પોસ્ટિંગ

2 મહિલા પોલીસકર્મીઓને પસંદગીનું પોસ્ટિંગ અપાયું

વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓની હેલ્થ સુધારણા માટે મુકેલી ખાસ સ્કીમનો અમલ શરૂ કરી દીધો છે. વજન ઉતારનાર 2 મહિલા પોલીસને તેમની માંગણી મુજબનું પોસ્ટિંગ આપવાનો હુકમ કર્યો છે. આ અંતર્ગત પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરાવતાં 200 જેટલા પોલીસ જવાનો ઓવરવેટ તેમજ અન્ય બીમારીઓથી પીડાતા જણાઇ આવ્યા હતા. જેથી તેમણે ઇન્ટિગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ લાગુ કરી હતી. આ હેલ્થ સ્કીમ મુજબ 90 દિવસમાં જે પોલીસકર્મી તેમનું હેલ્થ સુધારશે તેમને મનપસંદ પોસ્ટિંગ આપવાની અને જેમના હેલ્થ નહિં સુધરે તેમને યોગ અને સારવાર માટે પ્રતાપનગર હેડક્વાર્ટરમાં પોસ્ટિંગ આપવાની જાહેરાત કરાઇ હતી.

જોકે, આ સ્કીમનો સૌથી પહેલાં 2 મહિલા પોલીસકર્મીને લાભ મળતા પોલીસ કમિશનરે તેમની માંગણી મુજબનું પોસ્ટિંગ આપ્યું હતું. એએસઆઇ ભારતીબેન રેવાભાઇએ તેમનું વજન 89.5 કિલોથી ઉતારીને 68 કિલો કરતાં તેમને વારસીયા પોલીસ સ્ટેશનથી હરણી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જ્યારે કોન્સ્ટેબલ મોનિકા શૈલેષભાઇએ 83 કિલોથી વજન ઉતારીને 66 કિલો કરતાં તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશન મુકવાનો હુકમ કરાયો છે. પોલીસ કમિશનર ડો. સમશેરસિંઘે આ બન્ને મહિલા પોલીસકર્મીને કોપ ઓફ ધ મન્થથી સન્માન પણ કર્યું હતું.

Next Story