આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી પ્રોટોકોલ પ્રેક્ટિસ દરમિયાન વલસાડ જિલ્લામાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની થીમ હતી ‘‘સાડી વિથ યોગા’’.
દક્ષિણ ગુજરાત યોગ કો-ઓર્ડિનેટર પ્રીતિ પાંડેના સાનિધ્યમાં વલસાડના ભાગડાવડા ગામમાં દાદિયા ફળિયા ખાતે અંબામાતા મંદિરમાં યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન જિલ્લા કો-ઓર્ડિનેટર નિલેશ કોશિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ બહેનોએ લાલ અને પીળા કલરની સાડી પહેરી યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભાઈઓ સફેદ કફની અને પાયજામા પહેરી યોગના વિવિધ આસનો કર્યા હતા. વલસાડ જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા પ્રથમ વખત નવી થીમ ‘‘સાડી વિથ યોગા’’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિના દર્શન થયા હતા. નવા ડ્રેસ કોડ થીમ સાથે ખૂબ જ આનંદથી મોટી સંખ્યામાં લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.