“વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક જન-પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઝુંબેશ હેઠળ રાજ્યની 2 હજારથી વધુ ગ્રામ પંચાયતોના જમીન રેકર્ડનું એક જ દિવસમાં 100 ટકા ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે, ત્યારે નાંદોદ તાલુકાના વરાંછા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર આવકારી હતી. મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને વિવિધ રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું સ્ટોલ્સ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના વડતાલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથનું ગ્રામજનો દ્વારા ઉત્સાહપુર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી મેડિકલ એજ્યુકેશનના જોઈન્ટ સેક્રેટરી ડૉ. વિપુલ અગ્રવાલ તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા આ સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
જામનગરના જોડિયા ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ 17 જેટલી યોજનાઓના લાભ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર આજે લોકોના આંગણે પહોંચી રહી છે.
વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનસેવાનું માધ્યમ બની રહી છે. વડોદરા જિલ્લાની 60 ગ્રામ પંચાયતોમાં અઢાર હજારથી વધુ નાગરીકો આ યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રા થકી 13 હજારથી વધુ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડનો લાભ આપવામાં આવ્યો. તેમજ આરોગ્ય કેમ્પમાં 9 હજારથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આમ, વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની જન કલ્યાણ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સાર્થક નીવડી રહી છે.