આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. આમ તો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 12 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં નોંધાયું 9 ડિગ્રી લઘુતમ તાપમાન. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આ કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડી લાગે છે જ્યારે બપોર બાદ તાપમાનમાં ફેરાફાર થઇ રહ્યો છે. ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળે છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, વરસાદની કોઈ શક્યતા નથી અને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 3થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઉંચું આવશે.