લોકસભાની ચૂંટણી જાહેર થયાં બાદ આદર્શ આચારસંહિતા લાગુ થતાં ચૂંટણી પંચે તૈનાત કરેલી ફ્લાઇંગ સ્ક્વોડે ગુજરાતમાંથી માત્ર પાંચ દિવસમાં રૂ. 1.35 કરોડની કિંમતનો 39,584 લીટર દારૂ અને રૂ. 2.28 કરોડની કિંમતના 3.41 કિલો વજન ધરાવતા સોનું-ચાંદી જપ્ત કર્યાં છે. ગુરુવાર સુધીમાં સ્ક્વૉડના અધિકારીઓએ અંદાજે જ કરોડ રૂપિયાની મત્તા પકડી છે.
આચારસંહિતા અમલમાં આવ્યા બાદ 16 થી 20 માર્ચની વચ્ચે આ જપ્તી કરવામાં આવી હતી. આ માટે કાર્યરત ફ્લાઇંગ સ્ક્વૉડની વિવિધ ટુકડીઓએ સોનું અને દારુ સિવાય 2.27 કરોડની કિંમતની ગાડીઓ, મોટરસાયકલ અને અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો અનુસાર આચાર સંહિતા ભંગની 218 ફરિયાદ મળી છે.ભારતીય ચૂંટણી પંચે જાહેર કરેલા નિયમો અનુસાર કોઇપણ વ્યક્તિ પોતાના હાથ પર 50 હજારથી વધુ રોકડ રકમ લઇને બહાર નિકળી શકશે નહીં. સ્ક્વૉડના હાથે જો આવી વ્યક્તિ પકડાશે તો જરૂરી પૂરાવા આપ્યે જ તેમને મુક્તિ અપાશે. આ સિવાય બેંકના ખાતાઓમાં થતાં વ્યવહારો પર આવકવેરા વિભાગ નજર રાખશે.