ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત વિવિધ સ્થળોએ સોમવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શરૂઆત કરીશું દાહોદથી. દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજના અવસરે આદિવાસી સમાજે આખા જિલ્લામાં 3 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેર ખાતે વન વિભાગ, વેસ્ટર્ન રેલ્વે તેમજ ભાભોર પરિવારના સંયુક્ત ઉપક્રમે પરેલ વિસ્તારમાં 550 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પર બીટીપી અને ભાજપ વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે ત્યારે બંને રાજકીય પક્ષોએ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. વાલિયામાં આદિવાસી સમાજ અને બી.ટી.એસ.,યુથ પાવર અને અન્ય સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ સહિતના આગેવાનોએ ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં આગેવાન રાજુભાઇ વસાવા,ચંપક વસાવા અને યુથ પાવરના આગેવાન રજની વસાવા,વિજય વસાવા,વિનય વસાવા તેમજ કેતન વસાવા,વીનેશ વસાવા સહિત આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
વાલિયાની મહિલા કોલેજ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતમાં કાર્યક્રમક યોજાયો જ્યારે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને ચેક અને અન્ય સહાયનું વિતરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,પ્રભારી જીગ્નેશ મિસ્ત્રી અને જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા તેમજ આમંત્રીતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હવે વાત ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની.... આદિવાસી સમાજમાં છોટુભાઇ વસાવાનું મોટુ નામ છે. વિશ્વ આદિવાસી દિવસના અવસરે તેમણે સૌ આદિવાસી ભાઇઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજના હકો છીનવી લેવાયાં છે. તેમની જમીનો પચાવી પાડવામાં આવી છે. આદિવાસીઓના હકો અને અધિકારો માટેની તેમની લડત ચાલુ રહેશે.
મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય હતી...