ફાગળી ગામે 7 ગૌવંશના શંકાસ્પદ મોતથી ગૌરક્ષકોમાં રોષ
ગામના સરપંચ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા
પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો
7 પશુઓની હત્યાની આશંકા સાથે વિસેરા FSLમાં મોકલાયા
પોલીસે 2 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કંટ્રકશન કર્યું
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગળી ગામના વાડી વિસ્તારમાં આવેલ જૂની ડમ્પિંગ સાઇટ નજીકથી એકસાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફાગળી ગામના વાડી વિસ્તારમાં બાળકો પતંગ ચગાવવા ગયા હતા, જ્યાં એક બાળકની પતંગ બાવળમાં ફસાઈ જતા તેને લેવા ગયેલા બાળકોએ ત્યાં ગૌવંશના મૃતદેહ જોયા હતા. બાળકોએ આ અંગે ગ્રામજનોને જાણ કરતા ફાગળી ગામના સરપંચ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દ્રશ્યો જોઈ ચોંકી ઉઠેલા સરપંચે તુરંત ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં પોલીસે પંચ રોજકામની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી હતી કે, અજાણ્યા શખ્સો દ્વારા ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ, ગૌવંશનું કતલ કરનાર 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર મામલે જુનાગઢ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલાએ બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કંટ્રકશન કર્યું હતું.