/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/27130746/images-10.jpg)
એક બાજુ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ કુદરતનો ક્રોધ, આજે હન્ના વાવાઝોડું ટેક્સાસના કાંઠે ત્રાટક્યું હતું અને આશરે દોઢસો કિલોમીટરની ઝડપે તોફાની પવન તથા સાંબેલાધાર વરસાદ ટેક્સાસ પર તૂટી પડ્યાં હતાં. રિયો વેલી વિસ્તારમાં તબાહી જોવા મળી હતી. હજુ કેટલાય વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા હતી. અસંખ્યવૃક્ષો ધરાશાયી થયાં હતાં અને ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ જતાં અંધકાર છવાઇ ગયો હતો.
આ વાવાઝોડું જાણે શ્રેણીબદ્ધ આવતું હોય એમ એક કલાકથી પણ ઓછા સમયમાં પહેલાં કૉર્પ્સ ક્રીસ્ટીની દક્ષિણે 130 કિલોમીટર દૂર પોર્ટ મેન્સફિલ્ડ પર સાંજે પાંચ વાગ્યાની આસપાસ ત્રાટક્યું. ત્યાર બાદ પોર્ટ મેન્સફિલ્ડના વાયવ્ય ખૂણે 15 કિલોમીટર દૂર ઇસ્ટ કેનેડી કાઉન્ટી પર સાંજે સવા છ વાગ્યે ત્રાટક્યુ્ં.
અતિ ભારે તોફાની પવનના કારણે દરિયામાં ભરતીના સમયે ખાસ્સાં ઊંચા મોજાં ઊછળવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. સાથોસાથ ભારે વરસાદની ચેતવણી પણ અપાઇ હતી. કેટલાક વિસ્તારમાં 46 સેન્ટિમીટર જેટલો વરસાદ તૂટી પડે એવી શક્યતા હોવાનુ્ં હવામાન ખાતાએ જણાવ્યું હતું. ત્રણેક વર્ષ પહેલાં હાર્વે નામના વાવાઝોડાએ આ વિસ્તારમાં તબાહી મચાવી હતી. એ સમયે 68 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
કોર્પ્સ ક્રીસ્ટીના દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની તાકીદ કરાઇ હતી પરંતુ તોફાની પવનના કારણે લોકો ઘરની બહાર નીકળતાં ડરતા હતા. વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં હવાઇ તરફ ધસી રહ્યું હતું.