/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/06175004/maxresdefault-76.jpg)
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા સાથે સુરત શહેરમાં ભીલિસ્તાન ટાઇગર સહિત મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં દુષ્કર્મ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષ્ફળ ગયા હોવાથી બંગડીઓ લઈને મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોચી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મની ઘટનાને લઈ દેશભરમાં લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ભીલિસ્તાન ટાઇગર સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રોષે ભરાયેલા મહિલાઓ બંગડીઓ લઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.
સુરત ખાતે ભીલિસ્તાન ટાઇગર સેનાએ ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય અને આરોપીઓને આકરામાં આકરી સજા મળે તેવી માંગ કરી હતી. સાથે જ ભીલિસ્તાન ટાઈગર સેના દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંગડીઓ મોકલીને રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પીડિત પરિવારને ન્યાય ન અપાવી શકો તો બંગડીઓ પહેરી લેજો તેવી ભારે નારેબાજી કરી હતી. ભીલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ વિજય વસાવાએ જણાવ્યું હતું કે, યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં સુશાસન ખોરવાયું છે માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સરકાર સ્ત્રીઓની સુરક્ષાના મુદ્દે નિષ્ફળ ગઈ છે, તેવા આક્ષેપ સાથે યુપી CM યોગી આદિત્યનાથ અને પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા.