/connect-gujarat/media/media_files/2025/12/23/almond-2025-12-23-15-39-03.jpg)
બદામને તેના અદભુત પોષક ગુણોના કારણે સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર અને આયર્ન જેવા અનેક મહત્વપૂર્ણ પોષક તત્ત્વો રહેલા છે. એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર બદામ હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ શુગર કંટ્રોલ અને ત્વચાની સંભાળ માટે ખાસ લાભદાયક ગણાય છે.
પરંતુ જ્યારે બદામને આખી રાત પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તેના સ્વાસ્થ્ય લાભો અનેક ગણો વધી જાય છે. આ સરળ અને સહેલી ટેવને જો તમે સતત એક મહિના સુધી અપનાવો, તો તમારા શરીર અને મગજમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. દરરોજ પલાળેલી બદામ ખાવાથી શરીર પર થતી અસરો જાણીને તમે પણ તેને તમારી દિનચર્યામાં સામેલ કરવા પ્રેરિત થશો.
પાચનતંત્રમાં સુધારો
બદામ ખાવાથી પાચનક્રિયા ઝડપી બને છે, પરંતુ પલાળેલી બદામ શરીર દ્વારા વધુ સરળતાથી પચી જાય છે. બદામની છાલ પચવામાં ભારે પડે છે, પરંતુ પલાળવાથી તે નરમ બની જાય છે. છાલમાં રહેલું ટેનિન નામનું તત્ત્વ પલાળવાથી દૂર થાય છે અને લિપેઝ જેવા પાચક ઉત્સેચકો સક્રિય થાય છે, જેના કારણે પાચન સુધરે છે. પરિણામે પેટ ફૂલવું, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં ઘટાડો થાય છે.
હૃદય માટે લાભદાયક
અહેવાલો મુજબ બદામમાં રહેલું વિટામિન ઈ એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે, જે ધમનીઓમાં કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવવામાં મદદ કરે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA)ના જણાવ્યા પ્રમાણે બદામમાં રહેલા અનસેચ્યુરેટેડ ફેટ્સ મર્યાદિત માત્રામાં લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ મળે છે. 2018ના એક રિવ્યુ રિપોર્ટમાં પણ ઉલ્લેખ થયો હતો કે બદામ સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરને જાળવવા અથવા વધારવામાં સહાયક બની શકે છે.
પોષક તત્ત્વોનું વધુ શોષણ
બદામને પલાળવાથી તેના પોષક તત્ત્વોની જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. પલાળેલા બદામમાં રહેલા વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન શરીર દ્વારા વધુ અસરકારક રીતે શોષાય છે. એક મહિના સુધી નિયમિત સેવન કરવાથી શરીરને આ આવશ્યક તત્ત્વોનો પૂરતો લાભ મળે છે અને કુલ આરોગ્યમાં સુધારો થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
બદામમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું ઉત્તમ સંતુલન હોય છે. સવારે પલાળેલી બદામ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેના કારણે વારંવાર નાસ્તો કરવાની ટેવ ઘટે છે. આ ટેવ વજન ઘટાડવામાં અથવા નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને આખા દિવસ માટે સ્થિર ઊર્જા પણ આપે છે.
મગજના સ્વાસ્થ્ય માટે વરદાન
બદામને ‘બ્રેન ફૂડ’ પણ કહેવામાં આવે છે. તેમાં રહેલા રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન મગજના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. દરરોજ પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને માનસિક સતર્કતા વધે છે.
ત્વચા અને વાળમાં નખારો
બદામમાં રહેલા વિટામિન ઈ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરમાં ઓક્સિડેટિવ નુકસાનને ઘટાડે છે. એક મહિના સુધી નિયમિત પલાળેલી બદામ ખાવાથી ત્વચા વધુ ગ્લોઇંગ અને મુલાયમ બને છે. તે સમય પહેલા વૃદ્ધત્વના લક્ષણોને ધીમા કરે છે અને વાળને પણ મજબૂત, ઘન અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.