ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામ પાસે એક અદભુત પૌરાણિક વારસો “કડિયા ડુંગર”ની અનોખી લોકકથા છે, 2000 વર્ષ જૂનો વારસો અને તેની 7 રહસ્યમય ગુફાઓ! પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ભરૂચથી આશરે 40 કિલોમીટર દૂર ઝઘડિયા તાલુકાના ઝાઝપોર ગામ પાસે આવેલો છે એક અદ્ભુત પૌરાણિક વારસો “કડિયા ડુંગર”! ઈસવીસન પહેલી અને બીજી સદીની, એટલે કે આશરે 2000 વર્ષ જૂની 7 પ્રાચીન ગુફાઓ અહીં આવેલી છે. આ આખું સ્થાપત્ય એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે, જે એ સમયની અદભુત અને ભવ્ય કારીગરી દર્શાવે છે.
પૌરાણિક કથા અનુસાર, પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને આ પથ્થરો પર ભીમ દ્વારા ગુફાઓ બનાવવામાં આવી હતી. ડુંગરની ટોચ પર આજે પણ ભીમના પગલાં જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે ભીમ અને હિડિંબાના લગ્ન પણ આ જ પવિત્ર સ્થળે થયા હતા. પાંડવોએ અહીં રોકાઈને કડિયા કામ કરીને ગુફાઓ બનાવી હોવાના કારણે જ આ સ્થળનું નામ ‘કડિયા ડુંગર’ પડ્યું હોવાની લોકવાયકા છે.
બીજી તરફ, પુરાતત્વ વિભાગના સૂત્રોનું કહેવું છે કે આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ ‘વિહાર’ પ્રકારની ગુફાઓ છે, જેમાં સાધુઓ પ્રકૃતિના ખોળે રહીને શાંતિથી તપસ્યા કરતા હોવાનું પણ કહેવાય છે.
ઐતિહાસિક મહત્વ સાથે આ સ્થળ ધાર્મિક અને પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ ખાસ છે. અહીં મનસા દેવી માતાનું મંદિર અને શ્રી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીની પૂજા-અર્ચના કરવા આવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા પર લોકો સુંદર સનસેટ જોવા અને ટ્રેકિંગનો આનંદ માણવા પણ દૂર-દૂરથી આવે છે.
ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વની સાથે કુદરતના અપાર સૌંદર્યથી સજ્જ કડિયા ડુંગરના પગથિયાં પર રેલિંગના અભાવ સાથે પ્રવસીઓ માટે જાહેર શૌચાલયની પણ ઉણપ છે,ત્યારે આ પ્રવાસન સ્થળ પર આવતા પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધા વિકસાવવામાં આવે તેવી માંગ પણ પ્રવાસીઓ કરી રહ્યા છે.
