-
ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં આગ બાદ ભારે હોબાળો
-
આગમાં 2 કામદારોના નિપજ્યા હતા મોત
-
MLA ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને તમાચો મારતા ઘર્ષણ
-
ચૈતર વસાવાએ બે કામદારોના મોત મામલે વળતરની કરી માંગ
-
ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા આવ્યા છે: મૃતકના પરિવારજન
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બની છે.કંપનીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિવારજનો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને મારામારી થતા સ્થિતિ સ્ફોટક બની હતી.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બની છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 15 કામદારો પૈકી 2 કામદારોના સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતા માહોલ ગમગીન બન્યો હતો. જોકે, આ મુદ્દે ન્યાય અને વળતર અપાવવા પહોંચેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિવારજનો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને મારામારી થતા સ્થિતિ સ્ફોટક બની હતી.
મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલી આગમાં શ્રમિકો હોમાયા હતા. ઇજાગ્રસ્તો હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કંપની ખાતે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનો માટે રૂપિયા એક એક કરોડની સહાયની માંગણી કરી હતી.
સ્થળ પર હાજર મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કંપનીની અંદર જ ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. રાજન વસાવાએ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય અહીં પરિવારના દુઃખમાં સહભાગી થવા નહીં, પણ કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે. આ સાંભળીને ઉશ્કેરાયેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજન વસાવાને જાહેરમાં તમાચો મારી દેતા મામલો ગરમાયો હતો.
ધારાસભ્ય દ્વારા તમાચો મારવાની ઘટના બાદ બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ સ્થળ પર હાજર પોલીસ કાફલાએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવા અને શાંતિ જાળવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
બીજી તરફ, કંપની મેનેજમેન્ટે સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ પીડિત પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા તૈયાર છે. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાના કારણો અને સુરક્ષાના નિયમોના ભંગ બદલ તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, ધારાસભ્યના આ વર્તન અને પરિવારના આંતરિક વિખવાદને કારણે આખી ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે.
