અંકલેશ્વરના કાંસીયા-માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું

અંકલેશ્વર નજીક નર્મદા નદી ચોમાસાની ઋતુમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ કાંઠા વિસ્તારના ગામો માટે આફત બની જાય છે. નર્મદા નદીના કાંઠે આવેલા માંડવા અને કાંસીયા ગામમાં દર વર્ષે નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ખેતીલાયક જમીનોનું મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન નદીના જળસ્તરમાં સતત વધારો થતાં હજારો એકર ઉપજાવ જમીન નદીના બલી ચડી ગઈ છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

​માંડવા અને કાંસીયા ગામના ખેડૂતોની આ વેદના કોઈ નવી નથી. છેલ્લા ૩૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનનો મોટો ભાગ નદીમાં વિલીન થઈ જાય છે પેઢીઓથી ખેતી પર નભતા અનેક ખેડૂતોની એક સમયે એકરની એકર જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે. દાયકાઓથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસન જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

​સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વ્યાપક વિરોધને ધ્યાને રાખીને તંત્ર સળવળ્યું છે. અંકલેશ્વરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓનો કાફલો તાત્કાલિક અસરથી માંડવા અને કાંસીયા ગામ ખાતે દોડી ગયો હતો.​અધિકારીઓએ નદીકાંઠાની ધોવાણગ્રસ્ત જમીનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતે અનુભવેલી હાલાકી અને આર્થિક નુકસાન અંગે નજરે જોયેલી આપવીતી રજૂ કરી હતી.​ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે

નર્મદા નદીના પાણીના વેગથી થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ગેબીયન વોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટેની ખાસ ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે.આ વોલનું નિર્માણ પૂર્ણ થતાં જ છેલ્લા ૩૦ વર્ષથી ચાલતી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.