સ્વસહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો હેતુ

રાજપીપલા બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું આયોજન

સાંસદ મનસુખ વસાવાના હસ્તે ‘ગ્રામ હાટ’નો શુભારંભ

સખી મંડળની બહેનો દ્વારા હસ્તકલા-ચીજવસ્તુનું વેચાણ

નાંદોદ ધારાસભ્ય, રાજપીપલા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિ

નર્મદા જિલ્લાના રાજપીપલા બસ સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવાના હસ્તે સ્થાનિક સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે ‘ગ્રામ હાટ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના મુખ્ય બસ સ્ટેશન રાજપીપલા ખાતે ગ્રામ્ય સ્વસહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી શરૂ કરાયેલા ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સખી મંડળોની બહેનોની કલા, કૌશલ્ય તથા સર્જનાત્મકતાને યોગ્ય સ્થાન મળી રહે તેવા હેતુથી સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ ગ્રામ હાટ શરૂ કરવામાં આવ્યું છે.

સાંસદએ સ્થાનિક નાગરિકો અને મુસાફરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરીને ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને સાકાર કરીએ અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સહભાગી બનીએ. ગ્રામ હાટમાં ઉપલબ્ધ અનેક ચીજવસ્તુઓ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. વધુમાં, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી છે.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શિવાની મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પિનાકીની ભગોરા, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર, જિલ્લા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.